મે-જુન-જુલાઈ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

હમણાં લગભગ પાંચેક મહિનાથી ફિલ્મો જોવાનું બંધ છે. જેથી ગયા ત્રણ મહિનામાં એક જ ફિલ્મ જોવાઈ. હવે સપ્ટેમ્બર મહિનાથી રેગ્યુલર ફિલ્મો જોવાનું ચાલુ થશે.

રોમિયો & રાધિકા (૨૦૧૬) : ૩/૧૦

પાલનપુર અને આજુ બાજુના વિસ્તારો (મારી ઓફીસના કેમ્પસમાં)માં જ મોટા ભાગનું શૂટિંગ થયેલું હોવાથી ફિલ્મ બાબતે થોડીક ઉત્સુકતા હતી. તેથી થીયેટરમાંમિત્રો સાથે ફિલ્મ જોવામાં આવી. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને ઘણા બધા કલાકારો પાલનપુરના છે તેથી તેમને ફિલ્મમાં ઓળખવામાં છેલ્લે સુધી ફિલ્મ જોવામાં વાંધો ન આવ્યો. પ્રોડક્શન સારું છે. પણ સ્ટોરી અને એક્ટિંગ બાબતે લોચા છે. (અભિષેક જૈનની ફિલ્મોની સરખામણીએ).

જોકે આ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ફિલ્મ બનાવવી ઘણું અઘરું કામ છે. કાગળ પર સારી લાગતી વાત જયારે સ્ક્રીન પર આવે ત્યાં સુધીમાં ઘણી બધા પરિબળોને લીધે ઘણું બધું બદલાઈ જતું હોય છે. તેથી ઘણીબધી લમણા ઝીંકમાંથી પસાર થઇ થીયેટર સુધી ફિલ્મને લાવતા ફિલ્મ સર્જકોને અભિનંદન આપવા ઘટે.

પુસ્તકો:

૧. ટ્રેન ટુ પાકિસ્તાન  (જુન-૨૦૧૬)

લેખક: ખુશવંત સિંહ

ભાગલા દરમ્યાન સરહદ પરના પંજાબના એક ગામ, તેના માણસો અને આજુબાજુના માણસોની વાત કહેતી એક અદભુત કથા. લોકોએ ભાગલા દરમ્યાન શું સહન કરવું પડ્યું હશે, તેમની માનસિક સ્થિતિ કેવી હશે તેનો  આ પુસ્તકના વાંચન દરમ્યાન અંદાજો આવી શકે છે. અંત એકદમ સરસ અને દિલને હલબલાવી નાંખે તેવો છે. આના પર બનેલી ફિલ્મ હવે વિશ લીસ્ટમાં છે.

૨. સાહિત્ય અને સિનેમા (જુલાઈ-૨૦૧૬)

લેખક: જય વસાવડા

સાહિત્ય અને સિનેમાના માંધાતાઓ, કૃતિઓ અને તેને લગતી બીજી બાબતોની રસમય શૈલીમાં વાત કહેતા લેખો. જોકે મોટા ભાગના વાંચેલા હતા પણ ઘણા જુના ૧૯૯૬-૯૭ના લેખો  જે નહોતા વાંચેલા તે વંચાયા અને ખબર પડી કે જયભાઈ તેમની લેખક તરીકેની કેરિયરના શરૂઆતના વર્ષોથી જ પણ ચોટદાર અને વણઉખેડાયેલા વિષયો પર લખતા હતા.