Tags » Sparsh

લાગી રહ્યો છે તું પણ ઇશ્વર ઉપર ઉપરથી

લાગી રહ્યો છે તું પણ ઇશ્વર ઉપર ઉપરથી,
સાચેજ થઇ ગયો શું પથ્થર ઉપર ઉપરથી !!

બીજુ કશું નહિ આ વિસ્ફોટ જ્ઞાનનો છે,
ટોપી અડી રહ્યા છે બંદર ઉપર ઉપરથી.

હાથે કરીને પ્રશ્નો ઉભા કરીને પાછા,
શોધે મહાન લોકો ઉત્તર ઉપર ઉપરથી!!

પ્રત્યેક શબ્દ વચ્ચે દાટી છે વેદનાઓ,
ઉપસી રહ્યા છે એથી અક્ષર ઉપર ઉપરથી.

ભીતરનો આતમા છે ફોલાદનો બનેલો,
ચીરે છે દેહ કેવળ ખંજર ઉપર ઉપરથી.

એની દરેક નસમાં ફૂલો વહી રહ્યા છે,
લાગે ભલેને શાયર બંજર ઉપર ઉપરથી.

ત્રીજી નહિ તુ બીજી બે આંખ જોઇલેને,
તાંડવ કરી રહ્યા છે શંકર ઉપર ઉપરથી.

ટોળાની વચ્ચે તોડી મેં પાળ સ્તબ્ધતાની,
છલકી ગયુ નયનમાં સરવર ઉપર ઉપરથી.

શ્વાસો સભા ભરીને ચર્ચા કરી રહ્યા છે,
છે કોણ જે કરે છે હરફર ઉપર ઉપરથી ?

– મોહસીન મીર ‘સ્પર્શ’

Gujarati Gazal

એમ તારી યાદનો આજે મને પરચો થયો

એમ તારી યાદનો આજે મને પરચો થયો,
ફૂલ જોઈ દેહમાં ડાબી તરફ ભડકો થયો .

દોડતા આવી બધા શ્વાસો મને ભેટી પડ્યા,
એક ગમતા આગમનનો બારણે પડઘો થયો .

પંખીઓ ઉડતા નથી શું બંધનું એલાન છે ?
શું હવે ધરતી અને આકાશનો ઝઘડો થયો ??

એટલામાં વૃદ્ધ વડલો કેટલો ગભરાઈ ગ્યો,
સીમમાં અફવા હતી કે ગામમાં બળવો થયો .

અંત છે ,મુકામ છે, પ્રારબ્ધ કે પરિણામ છે,
મોત બીજું કૈ નહિ નાટક ઉપર પડદો થયો

આખરે અટવાઈને થાળે પડ્યો છે ખાલીપો,
ટેરવા વાટે વ્યથાનો કાગળે રસ્તો થયો

ખૂબ ગમતો એક મક્તો છેવટે છેંકી દીધો,
હું હવે હોવાપણાના ભારથી હળવો થયો.

– મોહસીન મીર ‘સ્પર્શ’

Gujarati Gazal

ફળ, ફૂલ, પાન, ટહુકા, ગાયબ છે ડાળ પરથી

ફળ, ફૂલ, પાન, ટહુકા, ગાયબ છે ડાળ પરથી,
શું શું ન લઈ ગયો એક પથ્થર આ ઝાડ પરથી ?

ઝરણું નીચે ઉતરતાં ગંગા બની ગયું છે ,
આ જોઈ ઝાંઝવા પણ કૂદ્યા પહાડ પરથી

કોઇ બ્હાર જઈ પ્રતીક્ષાના કાનમાં પૂછો ને ,
તોરણ ખરી ગયા છે શાને કમાડ પરથી ?

ઇચ્છાના અશ્વની હું કાયમ લગામ ખેંચું ,
ગાડું ગબડતું તો પણ મનગમતા ઢાળ પરથી

મસ્તક જરા હૃદયની ભીંતો ઉપર મૂક્યું તો ,
ચિચિયારીઓ સુણી મેં એક એક તિરાડ પરથી

ફૂલોની પીઠ ઉપર પર્વત સવાર થઈ ગ્યો ,
દફતરનો શ્રાપ ક્યારે ઉઠશે નિશાળ પરથી ?

પરિણામ ક્યાંક અઘરી લઈ બેસે ના કસોટી !
પડતું મુકે ન બાળક ઉપરના માળ પરથી !

એવી રીતે ઝડપથી જીવન વહી રહ્યું છે ,
કંકુ ખરી રહ્યું હો જાણે કપાળ પરથી .

કે ‘સ્પર્શ’ નહી ગઝલ તો એક માત્ર પ્રેયસી છે ,
એથી બચાવું એને હર છેડછાડ પરથી

– મોહસીન મીર ‘સ્પર્શ’

Gujarati Gazal

કમાણી હો કરોડોમા છતા જપતુ નથી હોતુ

કમાણી હો કરોડોમા છતા જપતુ નથી હોતુ
ખરૂ છે તત્વ લાલચનુ કદી ઘટતુ નથી હોતુ

જૂની ઉપલબ્ધિઓ ભૂલી કરો મિત્રો નવા કર્મો
કૂવો તરનાર દરિયો સર કદી કરતુ નથી હોતુ

જગતમા મૂળથી લઇ ટોચ લગ તારી હકૂમત છે
તને પૂછ્યા વિના કોઇ પાંદડુ ખરતુ નથી હોતુ

શહેર કે ગામડાના ભેદ તો માનવ બનાવે છે
ધરાને જોઇને વાદળ કદી ઝરતુ નથી હોતુ

કસબ એ ખૂબ જાણે છે ત્વરિત ઠંડુ થવાનો પણ
અમસ્તુ તાપમા પતરૂ કદી તપતુ નથી હોતુ

બધા શણગાર શબ્દોના કરી કાગળ સજાવે છે
હ્રદયથી કોઇ પણ સાચી ગઝલ લખતુ નથી હોતુ

મોહસીન મીર ‘સ્પર્શ’

Gujarati Gazal